ચોપાસ
+++++++++
પરમશક્તિ સમીપે જવાનો ઉત્સવ; નવરાત્રી
++++++
નવરાત્રી માત્ર રાસ ગરબા ડાન્સ અને મોજ મજા કરવાનો ઉત્સવ નથી પરંતુ શક્તિ ઉપાસ નામે અનોખો પર્વ છે.
+++++++
નવરાત્રી સાથે સંકળાયેલ દંતકથા શક્તિશાળી રાક્ષસ મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચેના યુદ્ધ વિષે છે. દર વર્ષે, નવરાત્રિના દરેક દિવસે, "દેવી દુર્ગા" ના અવતારને મહિષાસુર પરના તેમના વિજયના દિવસની ઉજવણી કરવા અને 'દુષ્ટ પર સારા' ના અંતિમ વિજયની ઉજવણી કરવા માટે પૂજા કરવામાં આવે છે.નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે, વર્ષની બંને મુખ્ય નવરાત્રિ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે, બે ઋતુઓ સમ્મિલનમાં આ પર્વ ઉજવાય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરના વાત, કફ, પિત્તના સમાયોજનમાં વધ-ઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે.
ભારત એક એવો મહાન દેશ છે, જ્યાં તમામ ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોથી આચ્છાદિત આ દેશમાં પ્રદેશે-પ્રદેશે ભિન્ન-ભિન્ન લોકસંસ્કૃતિ જોવા મળે છે. આ લોકસંસ્કૃતિઓ ભેગી મળીને બનાવે છે સમૃદ્ધ ભારતની ઉન્નત અને મહાન સંસ્કૃતિ. સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે. આવો જ એક તહેવાર નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ કે નવરાત્રિનું સાંસ્કૃતિક, ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ શું છે અને શા માટે આ પર્વને નારીશક્તિની ઉપાસનાનું પર્વ કહે છે.દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને નવ રાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે તેવું માને છે. પણ શું ખરેખર તેવું છે ખરું? તેનો જવાબ છે ના. નવરાત્રિનું આધ્યાત્મની દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. નવરાત્રિ મા પરાશક્તિની ઉપાસનાનું પર્વ છે નહીં કે માત્ર ગરબા-દાંડિયા રમવા માટેનું.
ગરબા માત્ર એક માર્ગ છે મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક રસ્તાઓ છે. આ તમામ રસ્તાઓ તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંનો એક રસ્તો છે નૃત્ય અથવા તો ગરબા. એટલે સૌપ્રથમ એ જાણવું અને માનવું જરૂરી છે કે નવરાત્રિ પર થતા રાસ-ગરબા માત્ર મનોરંજન નથી પણ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ પણ છે.ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે તો મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે. મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને.
બ્રહ્માજી મહિષાસુરને વરદાન આપે છે. પણ સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને દેવતાઓ પર આક્રમણ શરૂ કર્યાં. દેવતાઓ એકજૂટ થઈને લડ્યા પણ મહિષાસુરને પહોંચી ન વળ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું.
દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી. નવ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો. ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું.
ભારતવર્ષની આદિયુગથી પ્રજા માતૃસ્વરૂપની ઉપાસક રહી છે. આદિગ્રંથ વેદથી અર્વાચિનકાળ સુધીના અસંખ્ય ગ્રંથોમાં સ્રોતરૂપ, પ્રાર્થનારૂપ,ગીત કે ગરબારૂપે માતાને આરાધી છે. એમાં પણ સૌરાષ્ટ્ર પ્રાંત પર તો દેવીનો વિશેષ કૃપાપાત્ર છે.
અહીં માતાજી ચાર સ્વરૂપે પ્રગટે : ૧) મૂર્તિ ૨) યંત્ર ૩) પિંડ ૪) પટ્ટ, સૌરાષ્ટ્રમાં એ ચારેચાર રૂપે માનું પ્રાગટ્ય થયું છે.
સૌરાષ્ટ્રની મોટાભાગની વસ્તી શાક્તધર્મી રહી છે. 'દૈવીભાગવત'માં વર્ણવેલી ૧૦૮ પૈકીની ત્રણ શક્તિપીઠો, ગિરનારમાં અંબિકા. દ્વારકામાં રૂક્ષ્મણીમંદિર અને બેટ દ્વારકામાં અભયામાતા મંદિર આજપર્યંત વિદ્યમાન છે. પુજાય છે. તે જ પીઠનો “શિવ ચરિત્ર' અને 'કાલિકા પુરાણ'માં પણ ઉલ્લેખ છે.
દેવીગીતાનુસાર છ શક્તિ પીઠ : ગાંધવી ખાતે હર્ષદ, બેટમાં અભયા, આરંભડામાં લુણીમાતા, દ્વારકામાં ચંદ્રભાગા,
દ્વારકામાં ભદ્રકાળી, કાલાવડમા શીતળામાતા મંદિરો આજે પણ દૈનિક પૂજન અર્ચનથી ધમધમે છે.
આ પ્રદેશનો શાક્તપ્રેમ જોઈને ભગવાન શંકરાચાર્યે દ્વારકાના મઠનું નામ જ ‘શારદા મઠ'રાખ્યું અને માતા શારદાનું સુંદરમંદિર શાંકરમઠની બાજુમાં જ સ્થાપ્યું. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી આદ્યશક્તિ માતાની સ્થાપના યંત્ર રૂપે જગતમંદિરમાં ત્રીજે માળે કરી, જે આજે પણ પૂજાય છે. દેવી તરીકે બગલામુખીનું પૂજન આપ્યું.
સૌરાષ્ટ્રમાં કેટલાય ગામો ત્યાં બિરાજતા માતાના નામથી જ ઓળખાય છે. જેમકે ગાંધવી નહીં પણ માતા હર્ષદ, કાલાવડ સાથે શીતલામાતા. મેડી સાથે મોમાઈ માતા, ચોટીલા ચામુંડામાતાથી બન્યું. સૌરાષ્ટ્રમાં આખે આખા પ્રદેશનું નામ શક્તિના સ્વરૂપના આધારે થયું છે. જેમ કે, શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધની પત્ની અને બાણાસુરની પૂત્રી ઉષા પરથી ઓખા અને ઓખામંડળ પ્રદેશનું નામાભિધાન થયું છે. તે જ રીતે રાજીમતી માતા પરથી રાજુલા થયું
કચ્છમાં આશાપુરા માતાનો મઢ સૌથી મોટું યાત્રાધામ છે ગિરનાર પર અંબાજી બિરાજે છે અંબાજીનું મુખ્ય મંદિર ઉત્તર ગુજરાતમાં છે તો બીજી બાજુ કચ્છની અંદર હરસિધ્ધિ માતા અને અન્ય શક્તિ માતાના મંદિરો આવેલા છે ભાવનગરમાં પૂર્વ કિનારે રૂવાપરી માતાનું અને ભાવનગરના પ્રવેશ દ્વાર પાસે ખોડીયાર માતાનું મુખ્ય મંદિર આવેલું છે તો શેત્રુંજય પાસે અહીં આવે જ માતાનું મંદિર છે ધારી પાસે પણ ખોડીયાર માતાનું મુખ્ય મંદિર છે ઉંચા કોટડા ગામે ચામુંડા માતાનું મુખ્ય મંદિર છે તો ભાવનગરના દરિયા કાંઠે કુડાગીરી માતાનું મુખ્ય મંદિર છે જે સમુદ્રી માતા તરીકે જાણીતા છે તળાજા પાસે ભગુડા ગામે આઇ મોગલ નું સૌથી મોટું મંદિર છે તો હાથબ પાસે ખડસલીયા ગામ આવેલું છે અને ગામનું નામ ખોડીયાર માતાના નામથી પડ્યું છે માતાજીનું નામ છે ખરસલીયા ખોડીયાર જે શિહોર સંપ્રદાય જ્ઞાતિ સહિતની બીજી અનેક જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાય છે તો ઘોઘા ગામે મહાકાળી માતાનું ભવ્ય મંદિર આવેલું છે નજીકમાં સોનારીયા તળાવ નજીક પણ સોનારીયા વાળા મહાકાળી માતાનું નાનકડું પણ સુંદર મંદિર આવેલું છે માતાજીનું આ મંદિર ભક્તજનોમાં સૌથી વધુ શ્રદ્ધાનું ધામ બની ચૂક્યું છે
સુરેશ ભટ્ટ
ઇતિશ્રી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें